તારીખ 25/3/2017 ના રોજ ચાણસ્મા તાલુકાનાં વડાવલી ગામમાં થયેલ સાંપ્રદાયિક હિંસાનો રીપોર્ટ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનાં વડાવલી ગામમાં ધોરણ-10 ની બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર આવેલું છે અહી આજુ-બાજુના ગામોના બાળકો પણ અહી પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા માટે આવેલ હતા. તેમાથી સુણસર ગામના ઠાકોર સમાજના છોકરા અને ટાકોદી ગામના મુસ્લિમ છોકરાની વચ્ચે પરીક્ષા પૂર્ણ થયા બાદ સામાન્ય બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન તેમને ગામના સ્થાનિક મુસ્લિમ લોકો દ્વારા છોડાવવામાં આવ્યા હતા. અને બંને બાળકોને તેમના ઘરે જવા જણાવ્યુ હતું ત્યારબાદ થોડીવારમાં સુણસર ગામના 15-20 ઠાકોર સમાજના લોકો એ આવીને વડાવલી ગામમાં આવીને ટાકોદી ગામના મુસ્લિમ છોકરાને માર માર્યો હતો જેની જાણ થતાં ગામના સ્થાનિક આગેવાનોએ ઘટના સ્થળે જઈને સમાધાન કરાવ્યુ હતું
ત્યારબાદ ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી હોય ગામમાં સમરસ પંચાયત બનાવવાનું નક્કી કરવામાં આવેલ હોય ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ સમુદાય ના આગેવાનો અને અન્ય લોકો બપોરના અરસામાં મંદિરમાં એકત્ર થયેલ હતા અને તમામ સમુદાયના લોકોની સર્વસહમતી દ્વારા રશીદાબેન સુલ્તાનભાઈ કુરેશીને સરપંચ તરીકે નક્કી કરવામાં આવ્યા
આ સમય દરમ્યાન જ આજુ-બાજુના ગામો જેમાં સુણસર, ધારપૂરી, રામપુરા અને મેરવાડા તથા અન્ય ગામોના ઠાકોર સમાજના લોકો અચાનક અગાઉ થી આયોજન બદ્ધ રીતે નક્કી કરવામાં આવ્યું હોય તેવી રીતે 30 મિનિટ કરતાં પણ ઓછા સમયની અંદર અંદાજે 2.30 વાગ્યાના સુમારે ગામની અંદર 5000 થી 7000 લોકોનું ટોળું હાથમાં તલવારો, ભાલા, ખાનગી બંદુકો તેમજ અન્ય ઘાતક હથિયારો અને પેટ્રોલના કેરબા સાથે ઘસી આવ્યું અને એક ટોળું ગામના વાઘપરા (પરા વિસ્તાર, ઇન્દિરાનગર)માં ઘૂસી ગયું અને મુસ્લિમ સમાજના ઘરોને સળગાવવાનું તેમજ ઘરો ની અંદર થી રોકડ રકમ અને દાગીનાઓની લૂંટ કરવા લાગ્યું તથા ઘરોની બહાર પડેલી બાઈકો, ટ્રક, જીપ, થ્રેશર, મોટરકાર જેવા મુસ્લિમ સમાજના વાહનોને આગ લગાવવાનું શરૂ કરી દીધું તથા જે મુસ્લિમ યુવાનો એ તેમનો પ્રતિકાર કરવા ગયા તેઓને પણ તલવારો અને ખાનગી ફાયરિંગ વડે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. અને આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજવવામાં આવેલ હતું.
આ ટોળામાં આશ્ચર્ય જનક રીતે ધારપૂરી ગામના SRP માં ફરજ બજાવતા 2 ઠાકોર SRP જવાન પણ ટોળામાં સામેલ હતા તેઓએ ખાનગી ફાયરિંગ પણ કયું હતું જેમાં સરપંચના પતિ સુલ્તાનભાઈ ભીખુ ભાઈ કુરેશીના પેટના તથા જાંઘના ભાગે છરા ઘૂસી ગયા જેઓ અત્યારે હાલ પાટણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે
ઇબ્રાહિમખાન લાલખાન બેલીમને તલવારોના ઘા મારીને તેમની હત્યા કરેલ છે અને અન્ય 15-20 મુસ્લિમ સમાજના યુવાનો અને બહેનોને તલવારો અને તીષ્ણ હથિયારો વડે માર મારી ઘાયલ કરવામાં આવ્યા છે. જેઓ અત્યારે હાલમાં પાટણ, મહેસાણા અને અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના દરમ્યાન બીટ જમાદાર ગંભીરસિંહની ભૂમિકા ખૂબ જ પક્ષપાતી રહેલી છે ગામના એક મુસ્લિમ યુવાનને તલવારોના ઘા માર્યા હતા ઇજાગ્રસ્ત યુવાનના જણાવ્યા મુજબ “ અમને જ્યારે આ ઠાકોર લોકોના ટોળાઓ મારી રહ્યા હતા ત્યારે પોલીસના માણસો ઊભા રહીને જોઈ રહ્યા હતા અને તેઓ અમને બચાવવા માટે પણ આવ્યા નહોતા અને બીટ જમાદાર ગંભીરસિંહ દ્વારા મને બેભાન હાલતમાં જોઈને ટોળાં ને કહ્યું કે આ તો મરી ગયો છે હવે કસબામાં બીજા લોકોને મારો, જ્યારે અમારા ઘરો લૂંટીને તેમજ બળીને ટોળું જતું રહ્યું ત્યારે પોતાની કામગીરી બતાવવા માટે ટિયરગેસના સેલ અને હવામાં ફાયરિંગ કર્યા હતા જો પોલીસ દ્વારા અમને બચાવ્યા હોત તો અમારું આટલું બધુ નુકસાન ના થાત અને મારા કાકા ઇબ્રાહિમ ખાન અત્યારે હાલ જીવિત રહ્યા હોત”
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિનય સિંહ જેઓ BJP ના આગેવાન છે અને વ્યવસાયે એડ્વોકેટ પણ છે તેઓ આ સમગ્ર કાવતરના મુખ્ય કાવતરાખોર છે. તેઓની સક્રિય ભાગીદારી આ સમગ્ર ઘટનામાં ગામના લોકોએ નજરે જોયેલ છે અને તેઓ તોફાની ટોળાંની આગેવાનીમાં હતા અને ટોળાને પરા તરફ અને કસ્બા તરફ જવાના રસ્તા ઉપર ઊભા રહીને ટોળાઓને જુદી-જુદી દિશાઓમાં જઈને લોકોના ઘરોમાં લૂંટફાટ કરી આગ લગાવવા માટે બૂમો પાડતા હતા તેમજ તેઓએ પેટ્રોલના કારબા પણ ટોળાના લોકોને આપ્યા હતા.
ઝાલા સાહેબ કે જેઓ સુણસર ગામના શિક્ષક છે તેઓએ ગામમાં જઈને ઠાકોર સમાજના લોકોની ઉશ્કેરણી કરી હતી અને ટોળાને લઈને વડાવલી ગામમાં મુસ્લિમો ઉપર હુમલો કરવા આગેવાની લઈને આવ્યા હતા. તેમજ વડાવલી ગામમાં ઠાકોરોના ટોળાને દિશાનિર્દેશ તેમજ ઉશ્કેરણી કરી રહ્યા હતા.
આ બનાવમાં કુલ 142 મકાનોને લૂંટી લેવામાં આવ્યા છે અને 100 કરતાં વધારે મકાનોને સળગાવી દેવામાં આવ્યા છે. ગામમાં તલાટિ દ્વારા તારીખ 26/3/2017 ના રોજ અંદાજિત નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યું હતું જેમાં ગામનો કુલ નુકસાન 10 કરોડ રૂપિયા કરતાં વધારે થયો હોવાનું મનાય છે. પરંતુ અમારી ટિમ દ્વારા આ આંકડો ખૂબ ઓછો છે તેવું માનીએ છીએ કારણ કે 25થી વધારે ઘરોમાં આગલા 1 મહિનામાં લગ્ન પ્રસંગો હોવાથી ઘરોમાં દાગીના અને રોકડ રકમ તેમજ અત્યારે ખેતરોમાં ઉગેલ પાક ખળાવાડ માં હતા તે પણ સળગાવી નાંખવામાં આવેલ છે.
આ ગામના મુસ્લિમ સમાજના લોકો દર વર્ષે હાજીપીરના ઉર્ષમાં ચાલતા જાય છે જેની જાણ આ ટોળાના આગેવાનોને અગાઉ થી હોય તેવું અમારું ટીમનું માનવું છે
ટોળા દ્વારા કરાયેલ હુમલામાં તલવાર અને ધારિયાના ઘા વાગતા મોતને ભેટેલા ઈબ્રાહીમભાઈ લાલખાન બેલીમના મૃતદેહને તારીખ 26/3/2017 ના રોજ ચાણસ્મા સરકારી હોસ્પિટલમાંથી વડાવલી ગામે લાવવામાં આવ્યો હતો. તે સમયે ગામ લોકોએ તોફાની તત્ત્વોની ધરપકડ થાય પછી જ દફનવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો જે અનુસંધાને પોલીસ અને વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો ત્યારબાદ આગેવાનોએ મધ્યસ્થિની ભુમિકા ભજવતા અને ગાંધીનગર રેન્જ આઈ.જી. શ્રી એ તોફાની તત્ત્વોની ધરપકડ કરવાની ખાતરી આપી ત્યારબાદ બપોરે ત્રણ વાગે જનાજો ઉપાડી દફનવિધિ કરવામાં આવી હતી. દફનવિધિ સમયે સમસ્ત વડાવલી ગામના તમામ હિન્દુ-મુસ્લિમો સમુદાયના લોકો જોડાયા હતા.
વડાવલી ગામની બાજુમાં આવેલા ખોરસમ ગામમાં રહેતા મુસ્લિમોને સુણસર ગામના ઠાકોર લોકો દ્વારા ધમકી આપવામાં આવી કે જો તમે લોકો એ વડાવલી વાળાઓને મદદ કરી તો તમારું પણ તેવું જ હાલ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ખોરસમ ગામમાં મુસ્લિમ સમાજનું છેલ્લા 4-5 વર્ષ થી આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યું હતું અને તેમની સાથે કોઈપણ હિન્દુ વ્યક્તિની વ્યવહાર કરવાની મનાઈ ગામના હિન્દુઓ દ્વારા ફરમાવવામાં આવી હતી. આ ગામમાં પણ ગામના મુસ્લિમ ઉમેદવાર એ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતાં છેલ્લા 15 દિવસ થી બહિષ્કાર કરવાનું બંધ કરવામાં આવ્યું છે અને મુસ્લિમ ઉપસરપંચ બનાવવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
અમારી ટિમ નું માનવું છે કે વડાવલી ગામની આજુ-બાજુના ગામો જેમાં ખોરસમ, મોટેરા સહિતના અન્ય ગામોમાં રહેતા મુસ્લિમ પરિવારો પણ અત્યારે ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. તેઓની સુરક્ષાપણ સરકાર દ્વારા કરવામાં આવે
ઘણા બધા લોકો અત્યારે પણ વડાવલી ગામની બહાર પોતાના પરિવારોને મૂકી રાખ્યા છે અને તેઓને ભય છે કે આ ગામમાં જો પોલીસ રક્ષણ વ્યવસ્થિત ના મળે તો અત્યારે હાલ જે લોકો ગામની અંદર રહી રહ્યા છે તેઓને પણ હિજરત કરી જવાનો વારો આવે તેમ છે. અમારી ટીમના સાથીઓ દ્વારા ગામના લોકોને આશ્વશન અને સાથ આપવાનું જણાવતા કેમ્પમાં પોતાના પરિવારોને પાછા લાવવા રાજી થયા છે એ શરતે કે પોલીસ રક્ષણ પૂરતું મળી રહેશે.
અમને આ ગામમાં 15 પરિવારો એવા પણ મળ્યા કે જેઓ 2002 માં થયેલ કોમી તોફાનોના અસરગ્રસ્ત હતા અને તેઓ આ ગામમાં એટલા માટે જ આવી ને વસ્યા હતા કે આ ગામમાં 2002 માં પણ કોમી તોફાનો થયા નહોતા.
પોલીસ દ્વારા મુસ્લિમ સમુદાયના પીડિતો ઉપર દબાણ લાવવા માટે ખોટી ફરિયાદ ચાણસ્મા પો સ્ટેમાં ફ.ગુ.ર.નંબર-35/2017 થી ફરિયાદી મનહરસિંહ ઉર્ફગે મનુભા અભેસંગ ઝાલા કે જેઓ સુણસર ગામના વતની છે તેમના નામે ખોટી પોલીસ ફરિયાદ મુસ્લિમ સમાજના લોકોને દબાણમાં લાવવા માટે ઉપજાવી કાઢવામાં આવેલ છે આ ફરિયાદ પણ વડાવલી ગામે મુસ્લિમ સમુદાયના લોકોનું મોટા પ્રમાણમા જાનમાલનું નુકસાન સુણસર અને તેની આજુબાજુના ગામોના ઠાકોર સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું છે તેનો એક મજબૂત પુરાવો છે.
લોકોમાં સંપ્રદાયિક્તાનું ઝેર ફેલાવવાના હેતુથી ઠાકોર સમાજના ટોળાના માણસો દ્વારા બહાદુરી નું કામ કર્યું હોય તે રીતે વિડીયો ક્લિપ બનાવીને વ્હોટ્સએપ ઉપર ફરતી કરવામાં આવેલ છે જેમાં સાફ દેખાય છે કે કઈ રીતે લઘુમતી સમુદાયના લોકોના ઘરોને બાળવામાં અને લૂંટી લેવામાં આવ્યા છે. આ વિડીયોની તપાસ કરવામાં આવે તો વધારે આરોપીઓ ની ધરપકડ થઈ શકે તેમ છે.
નિરીક્ષણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની હોઈ અને લોકોમાં સાંપ્રદાયિક તણાવો વધે તેવા પ્રયત્નોના ભાગરૂપે આ તોફાનો કરાવવામાં આવ્યા છે તેમજ જાતિગત સમીકરણો BJP સાથે અકબદ્ધ રહે અને તે પોતાની જાતિઓમાં વહેંચાઈ ન જાય તેમજ મતો ફક્ત અને ફક્ત હિંદુત્વ ના નામે BJP ને મળે તે માટે રમખાણો થયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે રમખાણો થી હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધશે જેથી BJP ને એવો પ્રચાર કરવામાં સરળતા રહેશે કે “અમારા સિવાય જો કોઈપણ પક્ષ સત્તામાં આવશે તો ગુજરાતમાં હિંદુઓ સલામત નહીં રહે” સાથે સાથે અમારી ટિમ ના સાથીઓનું માનવું છે કે રમખાણોનું સ્વરૂપ બદલાયું છે હવે પહેલાની જેમ સતત દિવસો સુધી રમખાણો નથી થતાં પરંતુ છૂટા છૂટા અને નાના શહેરો અને ગામોમાં છેલ્લા વર્ષોમાં ઘણા રમખાણો થયા છે.
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં માહિતી મુજબ વર્ષ 2005 થી 2015 સુધી ગુજરાતમાં 656 નાના મોટા કોમી રમખાણો થયા છે જેમાં 76 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે અને 1650 થી વધારે લોકો ઘાયલ થયા છે અને અબજો રૂપિયાની સંપત્તિ નું નુકસાન થયેલ છે. વર્ષ 2015 પછી ગુજરાતના જુદા જુદા વિસ્તારો કે જ્યાં રમખાણ થયા છે જેમાં કચ્છ, સુરત, ભરુચ, વડોદરા, ખંભાત, સાબરકાંઠામાં પણ આવા કોમી રમખાણોની ઘટનાઓ થયેલી છે.
વડાવલી ગામમાં થયેલ રમખાણો અનુસંધાને અમારી ટીમને ખુબ હકારાત્મક બાબત જાણવા મળી હતી કે વડાવલી ગામના હિન્દુ તેમજ અન્ય તમામ સમાજના લોકોએ આ તોફાનોમાં કોઈપણ જાતનો ભાગ લીધો નથી તેમજ કેટલાક ઘાયલ વ્યક્તિઓને સારવાર કરાવવામાં મદદરૂપ થયા છે. ગામમાં સાંપ્રદાયિક વાતાવરણ ઊભું ના થાય તેવા પ્રયત્નો પણ કરેલ છે જેને અમારી ટિમ દ્વારા કોમી એકતાના આ જવલંત ઉદાહરણને બિરદાવવામાં આવે છે.
પોલીસ દ્વારા ઘટનાની તપાસના કામ માં ઢીલાશ દેખાઈ છે જે અંગે રેન્જ આઈ જી અને SP સાહેબને પણ અમારી ટિમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ દ્વારા વપરાયેલ તલવારો અને તલવારની મ્યાનો(કવર) ગુન્હા વાળી જગ્યા ઉપર પડેલ છે અને તેનું કોઈ તપાસ ના કામે કબ્જે કરેલ નથી. અને સ્થાનિક લોકોનું કેવું હતું કે તેમની નુકસાની અંગે જે પંચનામું પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તેની નકલ પણ પોલીસ દ્વારા આપવામાં આવી નથી અને ફરિયાદી ને તેની ફરિયાદની નકલ પણ અમારી ટીમે મુલાકાત લીધી ત્યાં સુધી આપવામાં આવેલ નહોતી.
આ ઘટનામાં ખૂબ જ આઘાત જનક હકીકત નીકળીને બહાર આવેલી કે જે મકાનો ને બાળી નાંખવામાં આવ્યા છે તે મકાનોમાં મોટા ભાગના મકાનો બહેનો એ મહિલા બચત મંડળ માંથી મળતી લોન લઈને મકાનોનું બાંધકામ કરેલ હતું જેના કારણે બહેનોની માનસિક સ્થિતિ ખૂબ જ કથળી ગયેલ છે અને તેના માટે એક સ્પેશિયલ કાઉન્સિલિંગ ટિમ ની જરૂર છે.
આ ઘટનામાં અમારી ટીમનું સ્પષ્ટ માનવુ છે કે આ ઘટના કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ એક પૂર્વ તૈયારી સાથેનું કાવતરું હતું જેના 3 કારણો છે
તમામ ગામો વડાવલી ગામથી 10 કિલોમીટર જેટલા દૂર છે અને 30 મિનિટ ની અંદર 5000 થી 7000 જેટલા લોકો એક સાથે ભેગા થઈ હાથમાં હથિયારો, ખાનગી બંદુકો, અને પેટ્રોલ જેવા જવલંતશીલ પદાર્થો સાથે ભેગા થઈ શકે નહીં.
આ સમગ્ર ઘટનામાં જેમ અગાઉ અમારા રિપોર્ટમાં જણાવેલ છે તેમ વડાવલી ગામના કોઈપણ હિન્દુ આ રમખાણોમાં જોડાયેલ નથી તેમ છતાં અન્ય ગામ થી આવેલ લોકોને કઈ મિલકત મુસ્લિમોની છે તેનો ખ્યાલ હતો અને તે પ્રમાણે જ ટોળાં એ મકાનો ને ટાર્ગેટ કરીને સળગાવેલ છે તેમજ લૂંટફાટ કરેલ છે અને ખેતરોના પાક ને બાળી નાંખવામાં આવેલ છે.
પોલીસ દ્વારા ફરિયાદ માં પણ 120-B ( કાવતરું કરવું) ની કલામ નો ઉમેરો કરેલ છે અને આ સંદર્ભમાં જ્યારે રેન્જ આઈ જી અને જિલ્લા SP ને મળ્યા ત્યારે તેઓએ પણ અમારી ટીમને જણાવેલ કે “ અમે પણ માનીએ છીએ કે આ સમગ્ર કૃત્ય કાવતરાનું ભાગ છે”
માંગણીઓ
પોલીસ આ સમગ્ર ઘટનાની જીણવટભરી અને તટસ્થ તપાસ કરે અને સમગ્ર કાવતરાનો પર્દાફાસ કરે. તેમજ આ ઘટનાના નજરે જોનાર સાહેદોનું સૌ પ્રથમ કાઉન્સિલિંગ કરવામાં આવે અને ત્યારબાદ તેમના નિવેદનો નોંધવામાં આવે.
જે પોલીસ અધિકારીઓની વડાવલી ગામમાં થયેલ રમખાણોમાં સીધી ભૂમિકા છે તે તમામને ગુન્હાના કામે તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી કરવા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ આ રમખાણ રોકવા માટે નિષ્ફળ નીવડ્યા હોય તેઓને ફરજ મુક્ત કરી ખાતાકીય પગલાં ભરવામાં આવે.
આ કોમી રમખાણોનું કેસ ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટનું ગઠન કરવામાં આવે
પ્રધાનમંત્રી 15 સૂત્રિય કાર્યક્રમ અનુસંધાને સૂચિ નંબર 15 મુજબ આ કોમી રમખાણોના પીડિતોના પુનઃવસન માટે સરકાર તાત્કાલિક યોગ્ય સહાય પૂરી પાડે.
હાલમાં વડાવલી ગામ ખાતે જે રાહત કેમ્પ ચાલી રહ્યો છે તે જિલ્લા કલેક્ટર શ્રી પોતાના હસ્તક લઈને અસરગ્રસ્ત લોકોને જ્યાં સુધી તેમનું પુનઃવસનના થાય ત્યાં સુધી જરૂરી સહાય રોકડ સહાય તેમજ તેમના જીવન નિર્વાહ માટે યોગ્ય સહાય ઊભી કરવામાં આવે અને તેમના મકાનોનું સર્વે હાથ ધરીને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે.
વડાવલી ગામે થયેલ કોમી રમખાણમાં મૃત્યુ પામેલ તેમજ ઇજા પામેલ વ્યક્તિઓને સરકારશ્રી દ્વારા જે સુપ્રીમકોર્ટની તાજેતરની ગાઈડલાઇન મુજબ અસરગ્રસ્તોને યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે.
મહિલા બચત મંડળ કે તે સિવાયની લોન ચાલતી હોય તે તાત્કાલિક અસર થી માફ કરવામાં આવે.
આરોપીઓ દ્વારા લૂંટી લેવામાં આવેલ મુદ્દામાલને (સોનું તેમજ રોકડ રકમ) કબ્જે કરવામાં આવે અને અસરગ્રસ્ત લોકોને પરત આપવામાં આવે.
વડાવલી ગામમાં મુસ્લિમોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને કાયમી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે.
વડાવલી ગામની સામાન્ય માહિતી
ક્રમ
જ્ઞાતિઓ
પરિવારો ની સંખ્યા
1
પટેલ
700
2
ઠાકોર
150
3
મુસ્લિમ
300
4
દલિત
120
5
દરબાર
60
6
રાવળ
50
7
પ્રજાપતિ
50
8
રબારી
30
9
દેવીપૂજક
40
કુલ પરિવારો
1500
इसकप अगे सेर करो