આંખો ખોલનાર લેખ ! વાંચશો તો શબ્દો આંસુઓમાં ઢળતા જશે !
(લેખક : મૌલાના અબુલ હસન અલી નદવી રહમતુલ્લાહ --- અનુવાદ : મુહમ્મદ જમાલ પટીવાલા-મોડાસા)
હે મુસલમાનો ! શું તમે સાંભળો છો ?
પશ્ચિમી શિક્ષણ સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો પરથી નિરંતર એક અવાજ આપણને સંબોધી રહ્યો છે.
પરંતુ અફસોસ, કોઈ નથી જે તેના પર ધ્યાન આપે,
કોઈનું લોહી ગરમ થતું નથી, કાઈનું સ્વાભિમાન જાગતું નથી.
આ અવાજ કહે છે...
હે મુસલમાનો ! હે અમારા ગુલામો ! સાંભળો !!
તમારા ગૌરવના દિવસો વીતી ગયા, તમારા ઈલ્મ (જ્ઞાન)ના કૂવાઓ સુકાઈ ગયા અને તમારા આધિપત્યનો સૂરજ ડૂબી ગયો !
હવે તમને સત્તા અને સુલતાની સાથે શું સંબંધ ? તમારા હાથ હવે જકડાઈ ગયા અને તમારી તલવારોને કાટ લાગી ગયો.
હવે અમે તમારા માલિક છીએ અને તમે બધા અમારા ગુલામ.
જુઓ, અમે કેવા તમને માથાથી પગ સુધી અમારી ગુલામીના સાંચામાં ઢાળી દીધા છે !
અમારો પોશાક પહેરીને અને અમારી ભાષા અને બોલી બોલીને અને અમારા રંગ-ઢંગ અપનાવીને તમારા માથા ગર્વથી ઊંચા થઈ જાય છે !
તમારા નાના-નાના માસૂમ બાળકો જ્યારે અમારા કોમી નિશાન અને ધાર્મિક પ્રતિક ‘ટાઈ’ લગાવીને સ્કૂલ જાય છે, તો આ કપડાંને જોઈને તમારું દિલ કેવું ખુશ થાય છે !
અમે કઈં મૂર્ખ નહોતા, અમે તમારા દિલો-દિમાગને અમારા ગુલામ બનાવી ચૂક્યા હતા, હવે તમે અમારી આંખોથી જુઓ છો, અમારા કાનોથી સાંભળો છો અને અમારા દિમાગથી વિચારો છો.
હવે તમારા વજૂદમાં તમારું કઈં જ નથી.
હવે તમે જીવનના દરેક વિભાગ અને ક્ષેત્રમાં અમારા મોહતાજ છો, તમારા ઘરોમાં અમારા રંગ-ઢંગ અને રીત-રિવાજો છે, તમારા દિમાગોમાં અમારા વિચારો છે. તમારી શાળાઓ અને કોલેજોમાં અમે બનાવેલો અભ્યાસક્રમ છે. તમારા બજારોમાં અમારો સામાન છે, અને તમારા ખિસ્સાઓમાં અમારો સિક્કો છે. તમારા સિક્કાને તો અમે પહેલા જ માટી બનાવી ચૂક્યા છીએ.
હવે તમે અમારા આદેશો સામે કેવી રીતે માથું ઊંચું કરી શકો છો ?
તમે અબજો અને ખરબો રૂપિયાના અમારા કરજદાર છો, તમારું અર્થતંત્ર અમારા કબજામાં છે.
તમારી મંડીઓ અમારા રહેમો-કરમ પર છે અને તમારી બધી વ્યાપારી સંસ્થાઓ સવાર થતાંની સાથે જ સૌથી પહેલા અમારા સિક્કાને સલામ કરે છે.
તમને તો તમારા સપનાઓ પર ખૂબ નાજ હતો, અને તમે કહેતા હતા કે “ઝરા નમ હો તો યે મિટ્ટી બડી ઝરખેઝ હૈ સાકી.”
તો સાંભળો ! આ ઝરખેઝ (ફળદ્રુપ) જમીનને હેરોઇન (નશા)થી ભરેલ સિગારેટ, વાસના ભડકાવે એવા ચિત્રો, ઉત્તેજનાપૂર્ણ વ્યભિચાર (અને અશ્લીલતા, નગ્નતા)ના દૃશ્યોથી છલોછલ ફિલ્મો અને હવસથી ભરેલ શોર-બકોરને સામેલ કરીને વેરાન બનાવી નાખી છે.
હવે જાઓ, તમારા લશ્કરોના શસ્ત્ર-ભંડારોને જુઓ. જો અમે હાથ રોકી લઈએ તો તમારી આખી વ્યવસ્થા વેરણ-છેરણ થઈ જાય.
હવે તમે અમારી પરવાનગી વગર કોઈના પર ચઢાઈ નથી કરી શકતા. બોસ્નિયા અને ઇરાકના બુરા અંજામને હંમેશા યાદ રાખો.
જાઓ, હવે તમારી આફિયત અને ખેરિયત એમાં જ છે કે જે જીવન-શૈલી અને શાસન-વ્યવસ્થા અમે તમને શીખવાડી છે તેનાથી જરા પણ આઘા-પાછા ન થજો.
ખબરદાર !! અમારી ગુલામીમાંથી નીકળવાની સહેજ પણ કોશિશ ન કરજો, અને અમને આશા પણ એ જ છે કે તમે વર્ષો સુધી આવું કરી નહીં શકો. એટલા માટે કે જેટલા પણ આ કોશિશના પરિબળો અને પ્રેરકો હોઈ શકતા હતા, અર્થાત ઈમાનની મજબૂતી, જિહાદ (તનતોડ સંઘર્ષ)નો જોશ, દૂરંદેશી અને સૂક્ષ્મ નજર, દીની સ્વાભિમાન – આ બધું અમે તમારા બુદ્ધિશાળીઓ, ચિંતકો અને આલિમો (ઇસ્લામી વિદ્વાનો) પાસેથી દુનિયાના થોડા આરામ અને સુખની વસ્તુઓ આપીને તેના બદલામાં ખરીદી લીધા છે.
અમે તમારી સ્ત્રીઓને ટીવી દ્વારા નગ્નતા અને અશ્લીલતાનું પ્રોત્સાહન આપીને, બનાવ-સિંગાર (Make-up) અને સૌંદર્ય-પ્રસાધનોનો બેહતરીન સામાન આપીને તેમની ચાદર ઉતરાવી નાખી છે,
અને તમારા પુરુષોને અશ્લીલ અને નગ્ન અને ગંદી ફિલ્મો બતાવીને તેમની મર્દાનગીના મૂળિયાં કાપી નાંખ્યા છે.
હવે તમારા ત્યાં કોઈ ખાલીદ, કોઈ તારીક, કોઈ સલાહુદ્દીન અને કોઈ ટીપુ પેદા નથી થઈ શકતો.
અને સાંભળો ! અમે કઈં અહેસાન-ફરામોશ નથી, તમારી કોમના કેટલાક અહેસાનો પણ અમારા પર છે.
ખાસ કરીને તમારા આલીમોના, તેમણે પોતાની મસ્જિદો અને મદરસાઓમાં બેસીને એક-બીજાને કાફિર કહીને, પરસ્પર લડી-લડીને અમારી સભ્યતા અને સંસ્કૃતિ અને વિચારો માટે રસ્તો સાફ કર્યો. તમારા બુદ્ધિશાળીઓ અને ચિંતકોએ પ્રગતિશીલ અને મોડર્ન કહેડાવવાના શોખમાં નાસ્તિક અને પાખંડી (મુનાફિક) બનીને અમારી ફિલસૂફીનો પ્રચાર-પ્રસાર કર્યો.
તમારી શિક્ષણ સંસ્થાઓએ અમારો અભ્યાસક્રમ તમારા નવયુવાનોના દિલો-દિમાગમાં અમારાથી વધારે સારી રીતે ઉતારીને તેમને પોતાના ધર્મ (દીન)થી બગાવત પર ઉશ્કેર્યા.
તમારા સત્તાધીશો પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ તમને બેહયા (નિર્લજ્જ અને બેપરવા), બેગૈરત (નમાલા) અને બેદીન, જડ અને અંતિમવાદી બનાવવા માટે અમારા જ ઇશારાઓ પર કરતાં આવ્યા છે.
અમે એ બધાના ખૂબ આભારી છીએ.
તમારા દીને (ધર્મે) કેવી-કેવી પાબંદીઓ તમારા પર લગાવી રાખી છે !! આ હરામ, એ હરામ, આ જાઈઝ, પેલું નાજાઈઝ... જીવનનો માર્ગ જ તમારા માટે તંગ કરી નાખ્યો હતો.
અમે તમને જીવનનો એક નવો માર્ગ દેખાડ્યો અને તમને હલાલ-હરામની કેદમાંથી આઝાદ કરી દીધા.
શું તમે આના માટે અમારો આભાર નહીં માનો !!
હે મુસલમાનો ! હે અમારા ગુલામો ! શું તમે સાંભળો છો ??
(સંદર્ભ : મગરીબી શકાફત ઔર મુલહિદાના અફકાર કા નુફૂઝ ઔર ઉસકે અસબાબ)