રસીની આડઅસરનો ડર તો નથી ને, પ્રજાની ચિંતા કે પછી પોતાની ?
લોકો માં સવાલ ઉઠયા, કોરોના વોરિયર્સના બહાને મંત્રી-ભાજપના નેતાઓ રસી લેવામાં કેમ પાછી પાની કરી રહ્યા છે*
અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર
કોરોનાના સંક્રમણ વચ્ચે સારા સમાચાર એછેેકે, ઉતરાયણ બાદ 16મી જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોનાની રસી આપવાનો પ્રારંભ થશે. જોકે, કોરોનાની રસીની આડઅસરને જોતાં લોકો જ નહીં, ખુદ ડોક્ટરો સહિત આરોગ્ય કર્મચારીઓ પણ રસી માટે નામ નોંધાવતાં નથી.
આ તરફ, ખુદ આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ એવો સ્વિકાર કર્યો છેકે, પહેલાં તબક્કામાં મુખ્યમંત્રી,મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો રસી નહી લે. જેના પગલે રસીની આડઅસરની શંકાઓને વધુ વેગ મળ્યો છે. એટલું જ નહીં, લોકોમાં એવા સવાલો ઉઠયાં છેકે, ભાજપના નેતાઓ રસી લઇને લોકોમાં વિશ્વાસ ઉભો કરવાને બદલે પાછીપાની કેમ કરી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાની રસી માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં સર્વે કરી નોંધણી કરાઇ છે. 50 વર્ષથી વધુ વય હોય, આરોગ્ય કર્મચારીઓ હોય તેમને પ્રથમ તક આપવા નક્કી કરાયુ છે. જોકે, અત્યારે કોરોનાની રસીને લઇને લોકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે કે, આ રસીની ગંભીર આડઅસર થઇ રહી છે જેના કારણે લાખો લોકોએ હજુય રસી માટે નામ નોંધાવ્યા નથી.
કેટલાંય વિસ્તારોમાં તો રસીની નામ નોંધણી કરનારાંને લોકો હડધૂત કરી રહ્યાં હોવાના કિસ્સા બન્યાં છે. અમદાવાદમાં જ કોવશિલ્ડ રસીનો હ્યુમન ટયલ થયો છે જેમાં પણ આડઅસર થયાનો એકેય કિસ્સો બન્યો નથી તેમ છતાંય લોકોના મનમાં રસીની આડઅસરનો ડર ઘર કરી ગયો છે.
આ પરિસિૃથતી વચ્ચે કોરોનાની રસીનુ આગમન થઇ રહ્યુ છે.રસીકરણ માટે ગુજરાતમાં ટ્રાયલ રન કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યુ કે, પ્રથમ તબક્કામાં 50 વર્ષથી વધુ વયના ઉપરાંત કોરોના વોરિયર્સને રસી અપાશે.
મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ,ભાજપના નેતા- ધારાસભ્યો-સાંસદો રસી નહી લે. પહેલા પ્રજા પછી નેતા. પ્રથમ તબક્કા બાદ અન્યને રસી આપવાનું આયોજન છે. નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ લોકોમાં એવી ચર્ચા છેકે, કોરોનાની રસીની આડઅસરની અફવાએ જોર પકડયુ છે ત્યારે ખરેખર તો,ભાજપના નેતાઓએ રસી લઇને લોકોમાં વિશ્વાસ ઉભો કરવો જોઇએ.
રસીકરણના પ્રથમ તબક્કો દોઢ મહિના બાદ પૂર્ણ થશે ત્યારે મંત્રીઓ-ભાજપના નેતાઓ રસીની આડઅસર તો નથીને તેની ખાતરી કરી લેશે ત્યાર બાદ રસી લેવા આગળ આવશે. આ કારણોસર પ્રથમ તબક્કામાં માત્ર કોરોના વોરિયર્સને રસી આપવાનું બહાનુ આગળ ધરાયુ છે.આ મુદ્દો સોશિયલ મિડિયામાં લોકોએ કોમેન્ટો કરવા માંડી છે.
આજે રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે
કોરોનાના કાળા કહેર બાદ ગુજરાતમાં રસીનુ આગમન થઇ રહ્યુ છે. મંગળવારે સવારે 10.45 વાગે એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટમાં રસીનો પ્રથમ જથૃથો આવી પહોચશે. આ રસીને ગ્રીન કોરિડોર બનાવી ગાંધીનગર લઇ જવાશે. તે સમયે એરપોર્ટથી માંડીને ગાંધીનગર સુધી સમગ્ર રૂટ પર રાઉન્ડ ધ કલોક સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
કોરોનાની રસીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવાશે ત્યાંથી 16મીએ વિવિધ વેક્સિન સેન્ટર રસી મોકલવામાં આવશે. સૂત્રોના મતે, 14-15 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં રસી મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, કોરોનાની રસીના ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરાયાં છે.
https://www.gujaratsamachar.com/news/madhya-gujarat/ministers-and-mlas-will-not-be-vaccinated-against-corona-nitin-patel