✍🏻અરાઉન્ડ ધ વર્લ્ડ(૧ માર્ચ ૨૦૧૯) - કુલદીપ કારિયા
સામ્યવાદ પછી બીજા ક્રમનો કોઈ આદર્શવાદ હોય તો તે લોકતંત્ર છે. જનતા એમ માને છે કે આ તો આપણે શાસન કરીએ છીએ. *પ્રથમ દૃષ્ટિએ તેમની વાત સાચી પણ લાગે, પણ વધારે ઝીણવટપૂર્વક જોઈએ તો કંઈક જુદું દેખાય. દેશની શક્તિ કેટલાક પદોમાં નહીં, લોકોમાં સંચિત હોવાનું લાગે. ને હવે તો એમાંય વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકશાહીનો સૂરજ દબાતા પગે પશ્ચિમ દિશા તરફ ખસવા લાગ્યો છે.*
બીજા વિશ્વયુદ્ધ પછી અડધો અડધ વિશ્વને લાગતું હતું કે *લોકશાહી શ્રેષ્ઠ શાસન પદ્ધતિ છે. આજે તેમની આ માન્યતા ડામાડોળ થવા માંડી છે. ક્યાંક એવું તો નથીને કે સ્વરૂપો ભલે બદલાયા કરે, પણ ગઈકાલે પણ શક્તિ મુઠ્ઠીભર લોકોના હાથમાં હતી અને આવતીકાલે પણ એમ જ હશે?*
એક કોન્સ્પીરેસી થીઅરી એવી ચાલી રહી છે કે વિશ્વના તમામ દેશોમાં સરકાર હોવા છતાં ગણતરીના લોકો મળીને દુનિયા પર રાજ કરવાની કોશિશ કરી રહ્યા છે. કોન્સ્પીરસી થીઅરી એટલે ષડયંત્રની ધારણા. *આ અધિનાયકવાદી વ્યવસ્થા અંતર્ગત આ લોકો એ પણ નક્કી કરી શકે છે કે કયા દેશનો રાષ્ટ્રપતિ કોણ બનશે, કયા દેશ પર આર્થિક પ્રતિબંધ લગાડવો અને કોને કેવી રીતે ટ્રીટ કરવા.*
*એચ. જી. વેલ્સે ૧૯૪૦માં ન્યૂ વર્લ્ડ ઑર્ડર પુસ્તક લખ્યું હતું. તેમાં આ વિશેનો સૌપ્રથમ ઉલ્લેખ કરેલો. લેખક પત્રકાર એરિક આર્થર બ્લેયર ઉર્ફે જ્યોર્જ ઓરવેલે પોતાની નવલકથા ૧૯૮૪માં આ પ્રમાણેની દુનિયાનો એક્સરે પ્રસ્તુત કર્યો હતો. આ જ કથા જે. કૃષ્ણમૂર્તિના ભાઈબંધ બ્રિટિશ લેખક એલ્ડસ હક્સલે ૧૯૩૨માં બ્રેવ ન્યૂ વર્લ્ડમાં સુણાવી ચૂક્યા હતા.*
નવા વર્લ્ડ ઑર્ડરની આગાહી કરનારા ત્રણે લેખકો બ્રિટિશ જ કેમ હતા? આવો સવાલ આપણને સ્વાભાવિકપણે થાય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટન તબાહ થઈ ગયું હતું. સૌથી વધુ નુકસાન તેમને પહોંચ્યું હતું. *આર્થિક દેવાળિયા અને ભયભીત બની ગયેલા દેશના નેતાઓની હરકત પરથી બ્રિટનના લેખકોને અંદાજ આવી ગયો હતો કે દુનિયા કઈ તરફ જઈ રહી છે.*
તમે જુઓ પ્રથમ વિશ્વયુદ્ધ પછી તમામ દેશોને સમાનતાના સૂત્રથી બાંધવા માટે લીગ ઑફ નેશનની સ્થાપના થઈ, પણ અમેરિકા તેનો હિસ્સો બન્યું નહીં. અમેરિકા પોતાને યુરોપ અને બ્રિટનથી ઉપર સમજતું હતું.
એવી જ રીતે ૧૯૪૫માં યુએન અને ૧૯૪૯માં નાટોની સ્થાપના વિશ્વ વ્યવસ્થાને બહેતર બનાવવા માટે કરવામાં આવી હતી *પણ થીઅરીસ્ટ્સ એવું કહે છે કે આ બંને સંસ્થાની સ્થાપના યુરોપની યુદ્ધના નુકસાનમાંથી બહાર લાવવા તથા અમેરિકાની સ્થિતિ મજબૂત બનાવવા માટે કરવામાં આવી હતી.*
*સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સીલ પણ એક એવી જ છેતરપિંડી છે. ૧૫ દેશો તેમાં સભ્ય રહે છે ને કેવળ પાંચ જ સ્થાયી છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ અને ગ્રેટ બ્રિટન. આ પાંચ દેશો કાયમી છે એટલું જ નહીં તેમની પાસે વીટો પાવર છે અને બાકીના પાસે નહીં. ભારતને તેઓ આમાં સમાવવામાં વર્ષોથી ગલ્લા-તલ્લા કરતા આવ્યા છે.*
કોન્સ્પીરસી થીઅરીસ્ટ કહે છે કે અમેરિકાએ નાટો અને રશિયાએ વારસા પેક્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય સૈન્ય સંગઠનો બનાવ્યા તે પૂરતું નહોતું. દુનિયાને કંટ્રોલ કરવા આટલું પૂરતું નહોતું. અર્થતંત્રોને પણ નિયંત્રિત કરવા જરૂરી હતા. *એટલે વર્લ્ડ બેંક અને આઇએમએફ બનાવવામાં આવ્યા.*
જેફરી સૈક્સ જેવા વિદ્વાન અર્થશાસ્ત્રી આરોપ મૂકે છે કે આઇએમએફ નબળા દેશો સાથે મનમાની કરતું રહ્યું છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એવો આરોપ લગાવે છે કે *તમામ આર્થિક સમસ્યાઓ માટે આઇએમએફ જવાબદાર છે. આઇએમએફ પુસ્તકિયું છે. કોઈ દેશની સમસ્યાને ધ્યાને લઈને તે મુજબનું સમાધાન આપી શકતું નથી. યુરોપ, અમેરિકા અને તેના કોર્પોરેશન્સ માટે પક્ષપાતી વલણ અપનાવે છે. વિશ્વમાં વધતો ફુગાવો, દેવા અને આર્થિક અસમાનતા માટે પણ આઇએમએફની નીતિઓ જવાબદાર છે.*
આ તો થઈ જાહેર સંસ્થાઓની વાત. હવે એક પ્રચ્છન્ન સંસ્થાની વાત. *વિશ્વની સત્તા પોતાના હાથમાં રાખવા માટે કેટલીક એવી સંસ્થાઓ કામ કરે છે જેનું નામ તો લોકોએ સાંભળ્યું છે, પણ એ ખબર નથી કે તે ક્યાં કામ કર છે. તેના સદસ્યોની માહિતી પણ ટોપ સીક્રેટ રાખવામાં આવે છે. ક્યાં મીટિંગ મળે છે એ વિશે પણ કોઈને કહેવામાં આવતું નથી.*
આવી એક સંસ્થાનું નામ છે, *બિલ્ડરબર્ગ ગ્રુપ.* રોના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે *અનએન્ડિંગ ગેમ: અ ફોર્મર રો ચીફ્સ ઇન્સાઇટ ઇનટુ એસ્પિયોનેજમાં વિક્રમ સુદે લખ્યું છે, પ૦ વર્ષ પહેલા આ સમૂહની બેઠકમાં ભાગ લેનારા ચંદ લોકોની આવક અમેરિકાના તમામ નાગરિકો કરતા વધારે હતી. બિલ્ડરબર્ગે હંમેશા એક વૈશ્વિક સંસ્થાનું સપનું જોયું છે.*
સૂદ લખે છે કે આ સમૂહ હજુ પણ દર વર્ષે મળે છે અને ભવિષ્ય બાબતે ચર્ચા કરે છે. તેમની ચિંતા દુનિયા વિશે નહીં, પોતાની શક્તિ અને પોતાના ભવિષ્ય વિશે વધારે હોય છે. ૧૯૫૪માં તેની પ્રથમ બેઠક મળી ત્યારે તેના સદસ્યોની સંખ્યા ૫૦ હતી. હવે ૧૨૦ છે. દેશના મોટા રાજઘરાનાના મોભી, મોટી બેન્કોના વડા, કેટલાક દેશોના પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો, મલ્ટી નેશનલ કંપનીના વડા ઓ ઇત્યાદિ તેમાં સભ્ય હોય છે.
હેરોલ્ડ વિલ્સન જેવા અપવાદને બાદ કરીએ તો ૧૯૬૩ પછી રહેલા બ્રિટનના તમામ વડા પ્રધાનો બિલ્ડરબર્ગ બેઠકમાં હતા. અમેરિકી પ્રમુખોમાંથી બિલ ક્લિન્ટન, ગ્રીનસ્પેન, રોન કેરી, ડોનલ્ડ રમ્સફેર અને બરાક ઑબામા તેમાં ભાગ લઈ ચૂક્યા છે. બિલ્ડર્બર્ગના સદસ્યો મિડલ ઇસ્ટ અને ચીન સિવાયના એશિયા તથા ભારતને ખાસ મહત્ત્વ આપતા નથી. *વિશ્વની વસ્તી નિયંત્રણમાં રાખવા એક વખત આ સંસ્થાએ તેના રીપોર્ટમાં યુદ્ધ અને દુષ્કાળને પણ ઉપાય તરીકે દર્શાવ્યા હતા.*
*ઇન્ફોટેક અને બાયોટેક દુનિયાના ચૂનંદા લોકોને તમામ શક્તિ પોતાના હાથમાં લઈ લેવા મદદ કરી રહી છે. જેમ કે સોશિયલ મીડિયાના માલિકો એક એવી વૈશ્વિક શક્તિ તરીકે ઊભર્યા છે કે તેઓ ધાર્યું કરી અને કરાવી શકે છે. ટ્વિટરના સીઇઓએ હમણા આપણી સંસદીય પેનલ સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દીધો.*
ભારત સરકાર એટલી શક્તિશાળી નથી કે ટ્વિટરને પ્રતિબંધિત કરી દે. કેમ કે તેનું વ્યસન પ્રજાની નસોમાં એટલે ઊંડે સુધી ઘૂસી ગયું છે કે ટ્વિટર પર પ્રતિબંધ લાગે તો આંદોલન થઈ જાય. એ જ તો સોશિયલ મીડિયાના માલિકોની શક્તિ છે. પોતાની શક્તિના જોરે તેઓ વિશ્વના વિવિધ દેશોમાં મનમાની વધારી રહ્યા છે.
*અત્યારે જે જોવા મળ્યું છે એ તો પિક્ચરનું ટ્રેલર પણ નથી, પોસ્ટર છે. ભવિષ્યમાં હજુ ઘણું જોવા મળવાનું છે. બીજી તરફથી જોઈએ તો જીવ વિજ્ઞાાનીઓ જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા સુપર હ્યુમન પેદા કરવા મચી પડયા છે. તેઓ તો સુપર હ્યુમન પ્રજાતિ પેદા કરી નાખશે, જે લાગણી અને બુદ્ધિ બંનેમાં હોમો સેપિયન્સ કરતા અનેકગણી તાકતવર હશે.*
એ સંભવ ન બને તો તેવો જીવ અને નિર્જિવનું કોમ્બિનેશન કરી સોયબર્ગ જીવો ઊભા કરી દેશે. મતલબ ટચુકડા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માણસની અંદર ફિટ કરીને તેમને અપ્રતિમ શક્તિશાળી બનાવી દેવામાં આવશે. આ કવિની કલ્પના નથી. નજીકનું ભવિષ્ય છે. *ઈઝરાયલના ઈતિહાસકાર યુવલ નોહ હરારીએ સેપિયન્સ અને હોમો ડીયસમાં આ વિશે વિગતે વાત કરી છે.*
બીજું વિશ્વયુદ્ધ સંપન્ન થયું ત્યારથી જ વિશ્વની સત્તા ગણતરીના લોકોના હાથમાં છે અને ઇન્ફોટેક તથા બાયોટેક તેમને એટલી બધી બદદ કરશે કે આ લોકો અત્યારે છે તેના કરતા સેંકડો ગણા વધુ શક્તિશાળી બની જશે.