Followers

Wednesday, 16 January 2019

મેરિટ અને દેશભક્તિ


   અનામત નાં ઇતિહાસમાં ડોકિયું કરાવીને વિવિધ વર્ગો નાં અભિપ્રાયો પાછળની નગ્ન સચ્ચાઈ થી અવગત કરાવી સાંપ્રત પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરતો લેખ.
____👇____👇_____👇______

           હવે જ્યારે સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે ત્યારે એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી આગળ આવ્યો નથી કે, ‘ના સાહેબ આ ખોટું છે. મેરિટ સાથે સમાધાન કરવાનું ન હોય. દેશ પહેલો’

ગામમાં ફૂલેકું નીકળે ત્યારે પૈસા ઉછાળવામાં આવે. એ પરચુરણમાંથી જે ચાર-આઠ આની હાથમાં આવે એ માટે ગરીબો આપસમાં પડાપડી કરે અને ઝડપી લેવા મચી પડે. ફદિયા માટેની તેમની લાલચ જોઇને ગામના શ્રેષ્ઠીઓ મનોમન તેમને ધિક્કારે. આ પ્રજા ક્યારેય સુધરશે નહીં એમ આપસમાં વાતો કરશે. એની વચ્ચે ફુલેકામાં ઉછાળવામાં આવતા પરચુરણમાંથી એક દોકડો અનાયાસે હાથમાં આવી જાય તો આજુ બાજુ કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરીને ખિસ્સામાં મૂકી છે. અત્યાર સુધી થુંક પણ ગળ્યા વિના મેરિટની વકીલાત કરનારા દેશભક્તોએ ચુપચાપ હાથમાં આવેલો અનામતનો દોકડો ખિસ્સામાં મૂકી દીધો છે.

રમેશ ઓઝા

કેન્દ્ર સરકારે ભક્તોને કફોડી સ્થિતિમાં મૂકી દીધા છે અને ભક્તો પાછા મનોમન રાજી પણ થતા હશે. આ લોકો હજુ ગઈકાલ સુધી મેરિટવાળા હતા. મેરિટ સાથે સમાધાન કરવામાં આવે તો દેશ આગળ કેમ વધે? દેશભક્તો તો એવા કે તેમની સામે ભગત સિંહ પણ ઝાંખો પડે. તેમના મુખારવિંદેથી આવી દલીલો તમે સાંભળી હશે: ‘મેરિટ સાથે સમાધાન કરાય? લાયકાત વિનાના વિદ્યાર્થીઓ કોલેજોમાં ઘૂસી જાય, ભણી શકે નહીં અને એક સીટ બગાડે.’ ‘જો નસીબ હોય અને ભણી પણ ઉતરે તો પણ એવા ૩૫ ટકાવાળા બીસીઓ દેશનું અને સમાજનું શું ભલું કરવાના’ એવી પણ તેઓ દલીલ કરતા હતા. ‘એવા ડૉક્ટરોના હાથમાં હાથ મૂકતા પણ ડર લાગે.’ ‘નોકરીઓમાં તેઓ ઘૂસી જાય છે અને લાઈન તોડીને જવાબદારીવાળા હોદ્દાઓ સુધી પહોંચે છે. આ દેશનો જે દાટ વળ્યો છેને, એ આ અનામતના કારણે અને મેરિટ વિનાના બીસીઓના કારણે.’ ‘મેરિટ સાથે સમાધાન ન કરાય સાહેબ, મેરિટ એટલે મેરિટ.’ ‘અમારા બાપદાદાઓએ અન્યાય કર્યો એટલે શું અમને અન્યાય કરવાનો?’ ‘ન્યાયના નામે કેટલા વરસ સુધી લાડ લડાવવાના? કોઈ માપ હોય કે નહીં?’ આમાંની એક દલીલ તમારા કાને ન પડી હોય એવી અજાણી નથી.

હવે કેન્દ્ર સરકારે જ્યારે સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે ત્યારે એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી ભક્ત આગળ આવ્યો નથી કે, ‘ના સાહેબ આ ખોટું છે. મેરિટ સાથે સમાધાન કરવાનું ન હોય. દેશ પહેલો. અમને અનામતની જોગવાઈ નથી જોઈતી. જો આપશો તો મેરિટ સાથે સમાધાન કરવા માટે અમે તમારો વિરોધ કરીશું. દાયકાઓથી અમારી આવી ભૂમિકા છે અને તેની પાછળની પ્રેરણા દેશપ્રેમ છે. અમે અનામતનો અત્યાર સુધી વિરોધ કરતા આવ્યા છીએ એનું કારણ સ્વાર્થ નહોતું, પછાત કોમ માટેનો દ્વેષ નહોતું પણ મેરિટ માટેનો આગ્રહ હતું. પ્લીઝ સર, અમે મેરિટ સાથે સમાધાન કરીને દેશને નુકસાન નથી પહોંચાડવા માગતા. અમારી સિદ્ધાંતનિષ્ઠા અને શીલ અકબંધ છે અને રહેશે. તમે કાંઈ પણ કરો, અમે કસોટીમાં ઊણા ઊતરવાના નથી. અમે નખશિખ દેશભક્ત છીએ.’

એક પણ રાષ્ટ્રવાદી દેશભક્તને આવું કહેતા સાંભળ્યો છે? મેં તો નથી સાંભળ્યો. ગામમાં ફૂલેકું નીકળે ત્યારે પૈસા ઉછાળવામાં આવે. એ પરચૂરણમાંથી જે ચાર-આઠ આની હાથમાં આવે એ માટે ગરીબો આપસમાં પડાપડી કરે અને ઝડપી લેવા મચી પડે. ફદિયા માટેની તેમની લાલચ જોઇને ગામના શ્રેષ્ઠીઓ મનોમન તેમને ધિક્કારે. આ પ્રજા ક્યારેય સુધરશે નહીં એમ આપસમાં વાતો કરશે. એની વચ્ચે ફુલેકામાં ઉછાળવામાં આવતા પરચુરણમાંથી એક દોકડો અનાયાસે હાથમાં આવી જાય તો આજુ બાજુ કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરીને ખિસ્સામાં મૂકી છે. અત્યાર સુધી થૂંક પણ ગળ્યા વિના મેરિટની વકીલાત કરનારા દેશભક્તોએ ચુપચાપ હાથમાં આવેલો અનામતનો દોકડો ખિસ્સામાં મૂકી દીધો છે. અરે ભાઈ, ભગત સિંહની પીઠ થાબડવાની હોય, ભગત સિંહ બનવાનું ઓછુ હોય! ભગત સિંહોની પીઠ થાબડવામાં હરીફાઈ કરવાની અને જો કોઈ પીઠ ન થાબડે તો તેને દેશદ્રોહી હોવાની ગાળો આપવાની. પત્યું. દેશપ્રેમ સિદ્ધ!

૧૯૮૧માં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયાં હતાં એ યાદ હશે. એ આદોલન મેરિટ બચાવીને દેશ બચાવવા માટેનું આંદોલન હતું. મેરિટ બચાવીને દેશ બચાવવાના એ આંદોલનમાં કોણ મોખરે હતા એ જાણો છો? હજુ તાજો તાજો સ્થપાયેલો ભારતીય જનતા પક્ષ જેણે આજે મેરિટ સાથે સમાધાન કરીને સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે અને એ જેણે એ જોગવાઈ ફુલેકામાં હાથ લાગેલા ફદિયાની માફક ચૂપચાપ ખિસ્સામાં મૂકી દીધી છે. ત્યારે તેઓ બન્ને મેરિટ બચાઓ દેશ બચાઓવાળા હતા.

વાત એમ હતી કે ૧૯૭૯માં જનતા પાર્ટીનું વિભાજન થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જુના જન સંઘને ભારતીય જનતા પાર્ટીના નવા નામે પાછો જીવતો કર્યો હતો. બદલાયેલા સંજોગોમાં હિન્દુત્વ ઉપરાંત નવા સામાજિક સમીકરણો રાજકારણમાં દાખલ કરવા પડે એમ હતાં. એમાં સામાજિક ન્યાયનો એજન્ડા સમાજવાદીઓ પાસે હતો અને તેમાં તેમની ઈજારાશાહી હતી એમ કહી શકાય. છેક ૧૯૬૦ના દાયકાથી ડૉ. રામ મનોહર લોહિયાએ સામાજિક ન્યાયને સમાજવાદી રાજકરણનું અંગ બનાવી દીધું હતું. આ બાજુ સવર્ણો, હરિજનો, આદિવાસીઓ અને લઘુમતી કોમો કૉન્ગ્રેસની સાથે હતી. બીજેપીના નેતાઓને લાગ્યું કે આમાંથી સવર્ણોને પ્રમાણમાં આસાનીથી કૉન્ગ્રેસની છત્રીમાંથી બહાર કાઢી શકાય. માટે અનામતનો વિરોધ અને મેરિટ બચાઓ દેશ બચાઓનું રાજકારણ અપનાવવામાં આવ્યું હતું.

આને માટે ગુજરાત પસંદ કરવામાં આવ્યું એનું પણ કારણ છે. ગુજરાતીઓ ડાહી અને વ્યવહારુ પ્રજા છે. ગુજરાતીઓ ભગત સિંહોની પીઠ થાબડીને દેશપ્રેમ વ્યક્ત કરે છે અને કૃતકૃત્ય થઈ જાય છે. સંઘ પરિવારે ગુજરાતને હિન્દુત્વની લૅબોરેટરી બનાવી એનું પણ આ જ કારણ છે. સપાટી પરનો દેશપ્રેમ ગુજરાતમાં તીવ્ર છે અને સ્વાભાવિક છે કે સપાટી પરનો દેશપ્રેમ ઘોંઘાટિયો હોવાનો. દેશપ્રેમ સિદ્ધ કરવા માટે ઘોંઘાટનો આશરો લેવો પડે છે. અર્નબ ગોસ્વામીઓના સ્ટુડિયોમાં ઘોંઘાટ શા માટે વધુ હોય છે એનું કારણ સમજાઈ ગયું હશે. ચામડી જ્યારે પોલા ઢોલ પર ચડાવો તો વાગે પણ એ જ ચામડી અંગ પર હોય તો ન વાગે. તો ગુજરાત ઘોંઘાટિયા ભક્તોની ખાણ છે.

તો ૧૯૮૧માં ગુજરાતમાં અનામતની જોગવાઈના વિરોધમાં અંદોલન કરનારા અને તેનું નેતૃત્વ કરનારા એ લોકો હતા જે અત્યારે ૩૮ વરસ પછી એ જ અનામત પામનારા અને આપનારા બની ગયા છે. રાજકારણ આવું સંકુલ હોય છે જે ભક્તોને સમજાતું નથી અને તેમની નહીં સમજી શકવાની શક્તિ જ તેમનો ખપ હોય છે.

ગુજરાતમાં અનામતની જોગવાઈ ‘વિરુદ્ધ’નું અને એ સાથે જ ‘માટે’નું બીજું આંદોલન ૧૯૮૫માં થયું હતું. આ વાક્યમાં તમને વિસંગતી નજરે પડી હશે. અનામતની વિરુદ્ધનું અને એ સાથે જ માટેનું આંદોલન એક જ સમયે એક જ રાજ્યમાં એક સાથે કેવી રીતે હોઈ શકે? આ તો ખૂબી છે ભારતીય સમાજની અને સમાજ પર આધારિત રાજકારણની.

બન્યું એવું કે ૧૯૭૮માં જનતા પાર્ટીની સરકારે સામાજિક રીતે પછાત વર્ગોના વિકાસ માટેના ઉપાયો સૂચવવા એક કમિશનની રચના કરી હતી જે વિખ્યાત કે કુખ્યાત મંડલ પંચ તરીકે ઓળખાય છે. ૧૯૮૦માં મંડલ પંચે તેનો અહેવાલ આપ્યો હતો જે ઇન્દિરા ગાંધીની સરકારે અભેરાઈ પર ચડાવી દીધો હતો. એના બે દાયકા પહેલા ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુએ આવો જ પછાત વર્ગોના વિકાસ માટે ઉપાયો સૂચવનારો કાકા કાલેલકર પંચનો અહેવાલ ફગાવી દીધો હતો. બે દાયકામાં ભારતના સમાજકારણમાં આટલો ફરક પડ્યો હતો. નેહરુયુગમાં આખો દેશ કૉન્ગ્રેસની સાથે હતો એટલે નેહરુ કાલેલકર અહેવાલને ફગાવી શક્યા હતા, જયારે ઇન્દિરા ગાંધી મંડલ પંચનો અહેવાલ ફગાવી શકે એમ નહોતાં એટલે અભેરાઈ પર ચડાવ્યો હતો.

૧૯૮૫ સુધીમાં બહુજન સમાજમાં જાગૃતિ આવી ચૂકી હતી. તેમને તેમની સંખ્યાની તાકાત સમજાઈ ગઈ હતી. તેમને એ પણ જાણ હતી કે મંડલ પંચની ભલામણો શું છે અને ભારતની કઈ કઈ જાતિઓનો અનામત માટેની સંભવિત જોગવાઈની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જ્યારે આંદોલન થયું ત્યારે ‘મેરિટ બચાઓ દેશ બચાઓ’વાળા સવર્ણો એમાં કૂદી પડ્યા હતા. જેમનો મંડલ પંચની યાદીમાં સમાવેશ થતો હતો તેઓ દરેક ‘પછાત કોમને પણ સામાજિક ન્યાય મળવો જ જોઈએ’ એમ કહીને આંદોલનમાં કુદ્યા હતા. જે બ્રાહ્મણ અને વાણીયા નહોતા એવા પટેલિયાઓને વિમાસણ થઈ હતી કે બ્રાહ્મણો સાથે સવર્ણોની પંક્તિમાં બેસીને પોરસાવું કે પછી ‘હમ ભી પછાત’ કહીને મંડલની યાદીમાં સમાવેશ પામવા આંદોલન કરવું? જે પોરસાતા હતા એવા લોકો ‘મેરિટ બચાઓ દેશ બચાઓ’વાળા હતા અને જેમને એમ લાગતું હતું કે બ્રાહ્મણની બાજુમાં બેસીને પણ બ્રાહ્મણ તો બની શકાય એમ નથી તો પછી વાસ્તવિકતા સ્વીકારીને ‘હમ ભી પછાત’ કહીને લાભ શું કામ ન લેવા?

આમ બ્રાહ્મણની નીચેની, પણ તરતના સામાજિક થરની પ્રજા આંદોલનમાં બન્ને દિશામાં સક્રિય હતી. એ એવું આંદોલન હતું જેમાં મેરિટ બચાઓ દેશ બચાઓવાળા પણ હતા, હમ ભી પછાતવાળા પણ હતા અને એક કોમના બન્ને બાજુ વહેંચાયેલા પણ હતા. સમુદ્રમંથનમાંથી કંઈક તો નીકળશે જ પછી જોઈએ આપણા હાથમાં કેટલું અમૃત આવે છે. જો હાથમાં આવે તો આપણે દેવ, ન આવે તો પણ આપણે જ દેવ અને સામેવાળા લઈ જાય કે રહી જાય, પણ દાનવ. હિસાબ બહુ ઉઘાડો હતો એટલે દરેક સમુદ્રમંથનમાં લાગ્યા હતા.

આ વખતે ભારતીય જનતા પક્ષ પડદા પાછળ રહીને સક્રિય હતો. ‘મેરિટ બચાઓ દેશ બચાઓવાળા’ઓને લાગતું હતું કે બીજેપીવાળાઓ આપણી સાથે છે. ‘હમ ભી પછાત’ વાળાઓને લાગવું જોઈએ કે બીજેપીવાળાઓ આપણી સાથે છે. વહેંચાયેલાઓમાંથી કોઈ સર્વણ તરીકે પોરસાનારો મળે તો કહેશે કે આપણે થોડા તેલી-તંબોળી વસવાયા છીએ અને બ્રાહ્મણો સામે થોડો અણગમો પ્રગટ કરનારો મળે તો કહેશે હા, સામાજિક ન્યાય તો મળવો જ જોઈએ. બીજેપીના નેતાઓને જાણ હતી કે સમુદ્રમંથનમાંથી જે નીકળવું હોય એ નીકળે, જેના ભાગે જવું હોય ત્યાં જાય; એક વાત નક્કી છે કે આને કારણે ભારતનું સામાજિક પોત બદલાશે જે કૉન્ગ્રેસને રાજકીય નુકસાન પહોંચાડશે. આમાં કોઈ સ્પષ્ટ ભૂમિકા નહીં લેવામાં ફાયદો છે. ૧૯૮૧માં બીજેપીવાળાઓ મેરિટ બચાવ દેશ બચાવવાળા હતા. ૧૯૮૫માં ગંગા ગયે ગંગાદાસ જમુના ગયે જમનાદાસ હતા અને હવે બ્રાહ્મણો પણ પછાતના ત્રીજા અંતિમે ગયા છે.

ફરી એકવાર શા માટે ગુજરાત? એનાં ત્રણ કારણો હતાં. એક તો એ કે ગુજરાત ભગત સિંહોની પીઠ થાબડનારા દેશભક્તોની ભૂમિ છે એટલે ઘોંઘાટ પેદા કરવો આસાન છે. બીજું કારણ એ કે સામાજિક ન્યાયના નામે બહુજન સમાજનું રાજકારણ કરનારા સમાજવાદીઓનો ગુજરાતમાં અભાવ છે. ત્રીજું કારણ એ કે ભારતનાં તમામ રાજ્યોની તુલનામાં મધ્યમવર્ગની સંખ્યા (કદ) તેમ જ શહેરીકરણની ઝડપ ગુજરાતમાં વધુ હતાં અને છે. નવો આકાર પામેલો શહેરી અને અર્ધ-શહેરી મધ્યમ વર્ગ ૧૯૫૦ના દાયકાની તુલનામાં જુદી રીતે વિચારતો થયો છે અને જુદી એષણા ધરાવે છે. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલન વખતે આ બધાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આજે જેવું ગુજરાત છે એવું કાલે ભારત બનવાનું છે. અને બન્યું પણ એમ જ. ભગત સિંહોની પીઠ થાબડનારો મધ્યમ વર્ગ હવે ભારતમાં પેદા થઈ ચુક્યો છે એટલે રાષ્ટ્રવાદનું અને દેશભક્તિનું રાજકારણ કરનારાઓને ઘી-કેળાં છે. ટૂંકમાં ૧૯૮૦ના મધ્યમાં બીજેપીને સમજાઈ ગયું હતું કે ગુજરાતમાં મૂળ ઘાલવાની ઉજવળ તકો છે.

શા માટે જવાહરલાલ નેહરુએ કાલેલકર પંચનો અહેવાલ ફગાવી દીધો હતો અને શા માટે ઇન્દિરા ગાંધીએ મંડલ પંચનો અહેવાલ અભેરાઈએ ચડાવી દીધો હતો એ શાસન કેમ કરાય એ સમજવા માટેનો અગત્યનો મુદ્દો છે. એક વાક્યમાં કહીએ તો તેમને એટલી સમજ હતી કે દેશની પ્રજાને રમાડાય, બધાડાય નહીં. (ઇન્દિરા ગાંધીએ પંજાબમાં સીખોને બધાડવાનો પ્રયાસ કર્યો અને પ્રાણ ગુમાવ્યા) મંડલ પંચની ભલામણોમાં આવી શક્યતા હતી જે હવે સાચી ઠરી છે.

બીજું, બંધારણમાં દલિતો માટે શિડયુલ કાસ્ટ શબ્દ વાપરવામાં આવ્યો છે, આદિવાસીઓ માટે શિડયુલ ટ્રાઈબ શબ્દ વાપરવામાં આવ્યો છે અને અન્ય પછાત કોમ માટે અધર બેકવર્ડ ક્લાસ (ક્લાસ, કાસ્ટ નહીં) શબ્દ વાપરવામાં આવ્યો છે એની પાછળનું શું તાત્પર્ય? વળી આ ત્રણેય પ્રકારના પછાતપણાની આગાળ ચોખ્ખી ભાષામાં ‘સામાજિક’ (સોશ્યલ) શબ્દ વાપરવામાં આવ્યો છે. કોઈ જગ્યાએ આર્થિક કે બીજા કોઈ વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એક માટે કાસ્ટ, બીજા માટે ટ્રાઈબ, ત્રીજા માટે ક્લાસ અને દરેક માટે સામાજિક એ લાંબુ વિચારીને સભાનતાપૂર્વક વાપરવામાં આવેલા શબ્દો છે કે પછી અનાવધાને પેદા થયેલી વિસંગતી છે એ પણ સમજવા જેવું છે.

*આ વિષે આગળ લખવાનો ઈરાદો છે.*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...