જંબુસર તાલુકામાં કપાસના પાકમાં વિકૃતિ આવતા ધરતી પુત્રો ચિંતામાં ગરક ખેડૂતોના માથે પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ.
કાવલી તા.૪
જંબુસર પંથક કાનમ કપાસના પ્રદેશના નામે જાણીતો છે અને આ વિસ્તારમાં રોકડિયા પાક એવા કપાસનું વાવેતર સારા પ્રમાણમાં ધરતીપુત્રો કરે છે કપાસનો પાક ખરીફ પાકોમાં રાજા ગણાય છે ચાલુ સાલે જંબુસર તાલુકામાં ૩૧૩૦૦ ( એકત્રીસ હજાર ત્રણસો )
હેક્ટરમાં ખરીફ પાક એવા કપાસનું વાવેતર થયું છે પરંતુ ચાલુ સાલે કેટલાક સમયથી કપાસના પાકમાં વિકૃતિ આવી છે. જેમાં કપાસ ના પાન લાંબા અને પાતળા થઈ જાય છે સાથે કોકરવાટ જેવા થઇ જાય છે અને આ વિકૃતિ વ્યાપક પ્રમાણમાં જણાઈ રહી છે. ખેડૂતોના મુખેથી જાણવા મળેલ માહિતી મુજબ આ કોઈ વાયરસ છે કે પછી કંપનીનું પ્રદૂષણને કારણે તે ખબર પડતી નથી ખેડૂતોએ કૃષિ તજજ્ઞો ને આ અંગેની જાણ કરતા કૃષિ તજજ્ઞોએ કૃષિ યુનિવર્સિટી ને આ અંગેના સેમ્પલ રજુ કરતા આ કયા કારણે રોગ થયો છે તેનું સંશોધન હજુ થઈ રહ્યું છે જોકે સંશોધન થયા બાદ જ ખરી માહિતી પ્રાપ્ત થશે ખેડૂતોએ રાત દિવસ એક કરી તાપ તડકો ના જોઈ પાણીની જગ્યાએ પોતાનો પરસેવો રેડી કપાસનો પાક તૈયાર કર્યો છે સાથે સાથે મોંઘા ભાવના બિયારણ , જંતુનાશક દવાઓ અને મજૂરી સાથે વધુ નાણાનો ખર્ચ કરી બે પાંદડે થવાની આશામાં આ ખર્ચ કર્યો હતો પરંતુ અત્યારે આ વિકૃતિ આવતા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઉભી થઇ છે બીજી તરફ આ વર્ષે વરસાદની પણ જોઈએ એવા પ્રમાણમાં છૂટ થઈ નથી અષાઢ મહિનો પૂર્ણ થવાને આરે હોય છતાં મેઘરાજા મનમુકીને હજુ વરસી શક્યા નથી જેથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે આમ જગતના તાતને ક્યાંકને ક્યાંક કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે અત્યારે આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે ખેડૂતો ખૂબ જ દવાઓનો છંટકાવ કરી રહ્યા છે દેવાના ડુંગર નીચે દટાતો જતો કિસાન આર્થિક રીતે ખૂબ ભાંગી રહ્યો છે કુદરતી પરિબળો ની વિસંગતતા વચ્ચે તે બિચારો બાપડો બની રહ્યો છે તે કૃષિ અર્થકારણ માટે કમનસીબ બાબત છે આખું વર્ષ તનતોડ મહેનત કરીને જે ખેડૂત દુનિયાભરના અનાજની જરૂરિયાત પૂરી કરે છે તે ખેડૂત અને ખેતી ની સ્થિતિ અત્યંત કફોડી થઇ છે ખેડૂત જગતનો તાત ને ભારત દેશ એટલે ખેતી પ્રધાન દેશ એવી કહેવત બેબુનિયાદ સાબિત થઇ રહી છે જંબુસર તાલુકામાં જીવાદોરી સમાન કપાસના પાકમાં આ વિકૃતિ આવતા ધરતીપુત્રો ચિંતામાં ગરક થયા છે જોકે ચાલુ સાલે તાલુકામાં અત્યાર સુધીમાં ૪૬૮૧૫ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયેલ છે જેમાં _____
. કપાસ ૩૧૩૦૦ હેકટર
તુવેર ૧૪૮૦૦ હેક્ટર
શાકભાજી ૪૧૦ હેકટર
ઘાસચારો ૧૮૦ હેકટર
તલ ૮૦ હેકટર
બાજરી ૨૫ હેકટર
મગ ૨૦ હેક્ટર
__________
. ૪૬૮૧૫ હેક્ટર કુલ ખરીફ પાક વાવેતર થયેલ છે . અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ કપાસ માં આવેલ વિકૃતિ
ના કારણે ધરતીપુત્રોના વદન પર ગમગીની છવાઇ ગઇ છે ખૂબ મહેનત અને દવાનો છંટકાવ કરી ૮૦ ટકા ખર્ચ કરીને આવી સ્થિતિ આવી પડે તો વિચારો જગતનો તાત ક્યાં જાય ? તાકીદે કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વિકૃતિ નું સંશોધન થાય અને દૂર કરવા અંગે દવા ની જાણકારી મળે એવું ખેડૂત આલમ ઈચ્છી રહ્યો છે.
ઐયુબ હલદરવા કાવલી