આવનારા એકાદ સપ્તાહમાં ભારત દેશ ઉપર આખા વિશ્વની નજર હશે. ઈટલી જેવું વિકસિત રાષ્ટ્ર હોય કે મહાસત્તા ગણાતું અમેરિકા કે પછી પાડોશી દેશ ચીન કે દૂર રહેલું ઈરાન - આ બધા જ રાષ્ટ્રોની નજર ભારત પર છે. આગામી દિવસોમાં ભારતીય સરકાર પોતાના નાગરિકોના આરોગ્યની જાળવણી અને આર્થિક જરૂરિયાતોને કઈ રીતે પહોંચી વળે છે એ જોવા સહુ તત્પર છે. આ રોગચાળાનો વિસ્ફોટ વૈશ્વિક સ્તરે થયો છે ત્યારે એક રાષ્ટ્ર તરીકે આ રોગને નાથવા માટે આપણે કેટલા હોશિયાર, કેટલા મજબૂત, કેટલા દયાળુ અને કેટલા જવાબદાર છીએ એ જોવા માટે સમગ્ર વિશ્વ આતુર છે. આ રોગ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત બન્યું છે ત્યારે આપણે ઉદાત્ત વર્તન દ્વારા વિશ્વ સમક્ષ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી શકીએ છીએ. આ રોગનો સામનો કરવા, તેને નાથવા/ કાબૂમાં લેવા આપણે સફળ થઈશું કે નિષ્ફળ જઇશું એના પર શંકા સેવાઇ રહી છે કારણ કે
વૈશ્વિક સ્તરે ભારતની છાપ એક ગીચ, વધુ વસ્તી ધરાવતા અને ગંદકીથી ખદબદતા દેશ તરીકેની છે. આ છાપ ભૂંસવાનો એક સુંદર મોકો આપણને મળ્યો છે. આપણે સાબિત કરવાનું છે કે આપણે એક છીએ, અખંડ છીએ અને સજાગ પણ છીએ.
કવિ ઉમાશંકર જોશીની એક સુંદર કાવ્ય પંક્તિ છે :
'તારી હાક સુણીને કોઇ ના આવે તો એકલો જાને રે'
અર્થાત બીજું કોઈ સાથ આપે કે ન આપે તમારે તો જીવનપથ પર આગળ વધવાનું જ છે.
ટીપે ટીપે સરોવર બંધાય અને કાંકરે કાંકરે પાળ બંધાયની જેમ દરેક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાનું યોગદાન આપવાનું છે. સામાજિક મેળાવડાઓને બદલે ઘરે જ રહેવાનું છે. ખોરાકનો જરૂર પૂરતો જ સંગ્રહ કરવાનો છે જેથી બાકીના લોકોને પણ તે મળી શકે. સમાજના વંચિત લોકો પ્રત્યે દયા / અનુકંપાની લાગણી રાખવાની છે. જાહેર સ્રોતોનો સમજદારીપૂર્વક વપરાશ કરવાનો છે.
આ એક યુદ્ધ જેવી સમસ્યા છે. એક નવો ઇતિહાસ રચવાની સોનેરી તક છે. એને એમને એમ હાથમાંથી સરકી જવા નથી દેવાની. આપણે બધા સાથે મળીને આ કામ પાર પાડી શકીશું.