🔹 *_નેતૃત્વ વિહોણો મુસ્લિમ સમાજ_* 🔹
*ક્ષમતા, ઉદારતા, સમાનતા અને નિખાલસતાનાં શિખરે રહી સમાજ સેવા કરનાર ચારિત્ર્યનું નામ એટલે આગેવાન.*
શરૂઆતનાં સમયથી જ મુસ્લિમ સમાજ અંદર અંદરનાં રાજકીય દબાણ અને સત્તાલાલસામાં ચુંથાતો આવ્યો છે. યોગ્ય નેતૃત્વનો અભાવ દરેક સમાજમાં જોવા મળે છે પણ અહીં મુસ્લિમ સમાજ માટે લખવાનું કારણ ફક્ત એટલું જ છે કે, આપણી પાસે ઉત્તમ ભૂતકાળ અને તેનાં કાબેલ આગેવાનોનું જીવન અને તેમના પ્રશંસનીય નેતૃત્વની ગુણવત્તાનાં ઉદાહરણો છે તે છતાં પણ આપણે એ બાબતનો અભાવ અનુભવીએ છીએ કે જે બાબત પર આ કોમ વિશ્વમાં પ્રભુત્વશાળી રહી હતી.
ગુણવત્તા, ઉદારતા અને કાબેલિયતનાં આધારે પહેલાં ખલિફા(રદી.), ઈમામને નેતૃત્વ સોંપવામાં આવતું હતું. જે લોકો દરેક પ્રકારની લાલચ, મોહ-માયા અને દંભથી દૂર હતાં. જેમનાં પર બધાં જ ભરોસો કરતાં અને એકમત સાથે તેમનાં નેતૃત્વને સ્વીકાર કરતાં હતા.
આજે આપણાં મુસ્લિમ સમાજમાં નેતૃત્વની ઉણપનું કારણ શું છે?
અહિં, સામાજિક, ધાર્મિક કે કોઈ પણ પ્રકારનાં નેતૃત્વમાં એકતા, ઉદારતા, કાબેલિયત કે પછી ગુણવત્તા નથી. અહિં દરેક વ્યકતિ પોતે એક નાનાં સમૂહમાં રહી આગેવાન બનવા ઈચ્છે છે. જેનાં કારણે નેતૃત્વની વ્યાખ્યા જ બદલાઇ જાય છે. અહિં દરેક વ્યક્તિને આગેવાન બનવું છે જેની પાસે ધન-સંપત્તિ હોય અને વધુ સંપર્ક ધરાવતો હોય પછી ભલે એ કોઈપણ પ્રકારનું વર્તન કે વ્યવહાર કરતો હોય, પણ રાજકીય પાર્ટી, ધાર્મિક કે શૈક્ષણિક સંસ્થાનું નેતૃત્વ એને જ જોઈએ છે. અને અંતે થાય છે પણ એમ જ, કારણ કે સંસ્થા ચલાવનારા લોકો સારા ડોનર શોધે છે પછી વર્ષ દરમ્યાન ઈસ્લામની વાતો કરનારાં લોકો એ નથી જોતાં કે તેની નીતિ કોમને ફાયદો પહોંચાડવાની છે કે પછી પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની છે. કારણ એ જ કે ગુણવત્તા સભર વ્યક્તિઓમાં હિમ્મતનો અભાવ જોવા મળે છે અને લોકોનો મિજાજ પણ શાસનકર્તાઓની ફરજો અને જવાબદારીઓના જ્ઞાનથી દૂર છે જેથી તેઓ શાસનકર્તાઓને અનીતિથી અને બેદરકારીથી રોકી શકતા નથી.
*યોગ્ય ધાર્મિક શિક્ષણ, તાલીમ, વાંચન, નેતૃત્વગુણ, સામાજિક અર્થતંત્ર અને શાસન વ્યવસ્થાના જ્ઞાનથી દૂર રહેનારા લોકો ક્યારેય સચ્ચાઈ ને ઓળખી નહીં શકે. કારણ કે "સાચાંની ઓળખ માટે ખોટાંથી પરિચિત હોવું જરૂરી છે."*
*કામ દરેકને કરવું છે પણ ભરોસો નથી અન્યનાં નેતૃત્વ પર, જેથી અંતે દરેકને આગેવાન બનવાની ઈચ્છા જાગે છે અને નેતૃત્વની ઓળખ ફક્ત નાના સમૂહ સુધી સિમિત થઈ જાય છે. જેનાં કારણે ક્ષમતા, પૈસા, ગુણવત્તા અને સમાજ બધું જ વહેંચાઈ જાય છે. જેથી જૂથવાદને હવા મળે છે અને અંતે તે નિષ્ફળતામાં રૂપાંતર થાય છે. જેનાં કારણે સત્તા અને હોદ્દો એવા લોકોનાં હાથમાં જાય છે જેઓને ફક્ત હોદ્દા અને પ્રતિષ્ઠાની ભૂખ હોય છે. જેનામાં સમય અનુસાર નેતૃત્વ કરવાની અને કામ કરવાની જરાય ક્ષમતા હોતી નથી અંતે તેઓ સમાજ, સત્તા અને મિલકતોને કાબૂમાં કરવા પોતાનાં વાહિયાત વિચારો અને શક્તિઓનો ઉપયોગ કરીને પોતાનાં હોદ્દાને બચાવતાં હોય છે.*
જેનાં પરિણામથી સમાજનાં કામ કરી શકે એવા વ્યક્તિઓ અને દાતાઓ એવી આગેવાની અને સંસ્થાથી દૂર થાય છે, અંતે સમાજ દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓથી વંચિત રહે છે અને પછાત રહી જાય છે અને ગુલામીમાં ધકેલાઈ જાય છે.
ભૂલ ક્યાંક ને ક્યાંક આપણી જ છે. ભૂલ સમાજના લોકોની છે આપણે લોકો પણ એવા ને જ પસંદ કરીએ છે જેઓ ખોટી રીતે કામ કઢાવી શકે અને રૂપિયા ખર્ચી શકે, ભલે પછી એ રૂપિયો ગમે ત્યાંથી આવતો હોય. મુસ્લિમ સમાજનો આ જ મોટો પ્રશ્ન છે કે નેતૃત્વ એવા ને સોંપે છે જેઓ તેનાં લાયક પણ નથી અને જેમની પાસે સમાજ માટે લાગણી પણ નથી. *"એક વાત હંમેશા યાદ રાખજો કે સમાજનો નેતા કે આગેવાન જયાં સુધી સમાજના દરેક નાગરિકના કાર્યની કદર ન કરી શકે, દરેક વર્ગના લોકોને પ્રોત્સાહિત ન કરી શકે અને ધર્મના સિદ્ધાંતો ને અનુરૂપ ન્યાય ન કરી શકે ત્યાં સુધી સમાજ સંગઠિત અને વિકાસશીલ નહીં બની શકે."*
લોકોને વિશ્વાસ ન હોવાનું કારણ પણ એ જ ગુણવત્તાને આધીન છે. ખુદાની મદદ ક્યારેય આપણાં સાથે નહીં હોય જયાં સુધી આપણે આપણો આગેવાન યોગ્ય વ્યક્તિને નહીં બનાવીએ. નેતૃત્વનાં નિયમોને સમજવા માટે સહાબા/ખલીફાઓનું(રદી.) જીવન અને તેમની ન્યાય પ્રણાલીને ઓળખવી પડશે. વિશ્વનાં વિકસિત સમાજની કાર્યપ્રણાલી અને શાસન વ્યવસ્થાને સમજવી પડશે.
.
તો નેતા અને નેતૃત્વ કેવું હોવુ જોઈએ?
કુરાન શરીફનાં સાર મુજબ, નફાકારક જ્ઞાનએ નેતાને સાચાં રસ્તા પર રહી નેતૃત્વ કરવાનું માર્ગદર્શન આપે છે, તે પોતાનાં જ્ઞાનને આધારે સ્થિતીને સમજવામાં સક્ષમ હોય છે અને સ્થિતીના આધારે તેનામાં નિર્ણય લેવાની શક્તિ હોય છે. જો તેની પાસે નિર્ણય લેવાની ક્ષમતા નઈ હોય તો તે નેતૃત્વમાં અસફળ રહેશે. એટલે આગેવાન પાસે નફાકારક જ્ઞાન અને હિમ્મત બન્ને હોવું જરૂરી છે. શક્તિ એ માનસિક ક્ષમતા અને શારિરીક ક્ષમતા બન્નેનું નિર્દેશન કરે છે. એટલે આગેવાન એ નફાકારક જ્ઞાન, શક્તિ, ક્ષમતા અને નિર્ણયને લગતા નિયમોનો આદર કરતો હોવો જોઈએ.
બુખારી શરીફની હદિષ શરીફના સાર મુજબ છે કે, " તમે બધાં જ ઘેંટાપાળકો છો અને પ્રત્યેકને તમારાં ઝુંડ વિશે પૂછવામાં આવશે." અહિં નેતૃત્વ તરફ ઈશારો કરી, એક ઉદાહરણથી વાત સમજાવવામાં આવેલ છે.
નેતૃત્વ એ એક ટીમ વર્કનું નામ છે. જેમાં કામની સફળતા અલ્લાહની મદદ અને યોગ્ય સમર્થકોની મદદથી જ થાય છે. જેમાં આગેવાનની સાથે સાથે સમર્થકોમાં પણ એ જ ગુણવત્તા અને નફાકારક જ્ઞાનનાં દર્શન થવા જોઇએ.