ભરૂચનાં બજાર ભાગ - 2
ભરૂચના રેલવે સ્ટેશનથી આગળને રસ્તે અત્યારે જે ધોળી કોઇ, ડાંડીઆ બજાર અને હાજીખાના તરીકે ઓળખાતો વિસ્તાર છે, એ એક જમાનામાં ધોળીકોઇ તરીકે પ્રસિદ્ધ હતો. દરેક જાતનું અનાજ, મીઠાઇ, શાકભાજી, મસાલા, વિવિધ જાતનાં કાપડ, ઘી, અને અંકલેશ્વર તરફથી આવતો સઘળો માલસામાન ત્યાં વેચાતો. અત્યારનો સ્ટેશન રોડ સાવ ઉજ્જડ હતો, ત્યાં રાતે નીકળતા ભય લાગતો. ધોળીકોઇ એના ઘી માટે જાણીતું હતું. ટુવાલમાં બાંધીને લઇ જઇ શકાય એવું ઘટ્ટ ઘી મળતું. ચામડાની મશકમાં કે માટલામાં ઘી ભરાતું અને લાકડાના તવેથાથી કાઢવામાં આવતું. ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં આવેલી જઘરેલ પછી એ બજાર ભાંગી પડયું. પણ થોડા સમયમાં ફરી ઉભું થયું. ડાંડીયા અટકધારી એક વખત કરી મોટી દુકાનને કારણે એ બજાર ડાંડીયા બજારને નામે ઓળખાતું. જે ત્યાં વેચાતાં શાકભાજી અને કેરી માટે જાણીતું થયું.
નવાબી શાસન દરમિયાન ધોળીકોઇથી જરાક આગળ હાજી ખાન નામના અધિકારીએ દરેક ચીજ એક જ જગાએ મળે એવા આગ્રહ સાથે બજાર બેસાડવાની શરૂઆત કરી. એટલે પહેલવહેલા તો ત્યાં શરાફ આવ્યા,જેથી એ ભરૂચનું નાણાવટી કહેવાયું. પછી ગાંધી, સુખડી, દુધાળા ભાટીયા, મણિનગર, વૈદ્ય, કાપડીઆ,ઘાચી,દરજી, એમ બધા જ પોતાનો ધંધો જમાવતા ગયા. અફીણ અને ભાંગની પણ દુકાનો ત્યાં હતી. ઋતુઋતુના શાકભાજી, પાક, બોર, ચીભડા વગેરે અહીં વેચાવા આવતાં. આ બજાર ત્યારથી હાજીખાના બજાર તરીકે ઓળખાતું થયું.
જરા આગળ જતાં નવાં દહેરા વિસ્તારની જગા તમાકુવાળાની હાટ તરીકે ઓળખાતી. ત્યાં મ તાર તમાકુ, તપખીર અને રંગરેજની જ દુકાનો હતી.
આજે જેને ચકલા તરીકે ઓળખી છીએ એ ચકલુ કહેવાતો વિસ્તાર કપાસ અને રૂના મુખ્ય વેપારી મથક ઉપરાંત સટ્ટાનુ કેન્દ્ર બિંદુ હતો. ઈ. સન. 1864થી1866 દરમિયાન દુનિયાના શેરબજારમાં આવેલી મહાતેજીનો અનુભવ આ બજારે પણ કરેલો.